top of page

ભુજિયો : ઐતિહાસિક કિલ્લો,રિસર્વ ફોરેસ્ટ,શસ્ત્રાગાર અને હવે ‘સ્મૃતિવન’

ભુજનું નામ પડે ને ભુજિયો વિસરાઈ જાય કેમ ચાલે ?,ભુજીયો જુરાસિક પાર્ક કાળનો મૃત જ્વાળામુખીમાંથી સર્જાયેલ પર્વત છે. 2001માં કચ્છની સિકલ બદલાવી નાખનાર ભૂકંપમાં 13,805 લોકો મૃત્યુ પામ્યા તેની યાદમાં ડુંગરની તળેટીમાં સ્મૃતિવન બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે.જેનું રોલ મોડેલ ચીનમાં 2008માં આવેલ ભૂકંપમાં મૃતકોની યાદમાં બેઈચાઉંગ શહેરમાં બનાવાયું છે તે પ્રકારનું છે.

ભુજિયાના ઈતિહાસ પર નજર ફેરવીએ. ડુંગર ની ટોચ પર ભુજંગ દેવનું મંદિર છે,જેના થકી ડુંગરનું નામ ભુજિયો પડ્યું હોવાનું કહેવાય છે. એકતરફ લોકવાયકા એવી છે કે,ભુજિયાના નામ પરથી ભુજનું નામકરણ થયું,તો બીજી તરફ ઈતિહાસકારો એમ પણ કહી રહ્યા છે કે,ખેંગારજી પ્રથમે 1510માં જયારે કચ્છની સ્થાપના કરી ત્યારે તેમના દીકરા ભોજરાજજીનું નિધન થયું અને તેની સ્મૃતિમાં શહેરનું નામ ભુજ પડ્યું.


1723 (A.D) માં અમદાવાદના સુબા શેર બુલંદખાન ખંડણી વસુલવા ભુજિયા પર આવ્યા,તે સમયે ખંડણી તો માફ કરી પણ યુદ્ધનું આહ્વાન કરતા કચ્છની સેના તૈયાર થઇ ગઈ. લશ્કર અને નાગાબાવાની જમાતે સુબાને હરાવ્યા અને વિજય સરઘસ કાઢ્યું હતું,તે સરઘસ ભુજમાં વર્ષોથી નીકળતા નાગપંચમીની અસવારીની શુભ શરૂઆત હતી.

અહી આજે પણ એ દિવસે નાગપંચમીના ભુજિયાનો મેળો ભરાય છે અને જિલ્લાભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટે છે. ઈ.સ 1723માં અહી કિલ્લો બંધાઈ ગયો હતો. મહારાવ ખેંગારજી ત્રીજાએ ભુજિયાને રખાલ (રિસર્વ ફોરેસ્ટ) તરીકે વિકસાવ્યો હતો,અહી દીપડા આયાત કરાતા અને મહારાવ તેનો શિકાર કરતા હતા.


ઈ.સ 1971 ના ભારત પાક યુદ્ધ વખત થી લઇ 2001 સુધી આ કિલ્લો ભારતીય સેનાના કબજામાં હતો, ત્યાં સુધી અહી લોકો માટે અવરજવર પ્રતિબંધિત હતી.અહી શસ્ત્રોનો ભંડાર રખાયો હતો. શસ્ત્રો રાખવા કિલ્લામાં 15 કોઠા છે જેમાં અંદાજીત 50 માણસો રહી શકે છે.રાજાશાહી વખતમાં બહારના લશ્કરને આ કોઠાઓમાં આશ્રય અપાતો હતો !

26 જાન્યુઆરી,2001 ના સવારે 7.7 મેગ્નીટ્યુડ સાથે કચ્છ ધ્રુજાવનાર વિનાશક ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની યાદમાં 155 કરોડના ખર્ચે આ સ્મૃતિવન બનાવાઈ રહ્યું છે, 460 એકર વિસ્તારમાં નિર્મિત આ પ્રોજેક્ટમાં મૃતકોની યાદમાં 13,805 મોટા વૃક્ષ વાવશે અને અન્ય 19,695 નાના અને મધ્યમ વૃક્ષો રોપાશે.અહી 50 ચેક ડેમ પણ બનાવશે,જેની ક્ષમતા દોઢ થી ત્રણ લાખ લીટર પાણી ની હશે,જેથી આ વિસ્તાર હમેંશા હરિયાળો રહેશે.


દરેક ચેકડેમ પર દિવંગતોના નામની તકતી પણ લગાવાશે.3.5 કિ.મી ની ફરતે કિલ્લાની દિવાલમાંથી 1.4 કિ.મી દિવાલનું સમારકામ થશે.રોડની ઊંચાઈથી 80 મીટર ઉપર સન પોઈન્ટ નિર્માણ પામશે,જ્યાંથી સમગ્ર ભુજના નજરીયો અને સુર્યાસ્ત અને સૂર્યોદય બંને નિહાળી શકાશે !


મ્યુઝીયમની રચનામાં આર્ટ ગેલેરી,કોન્ફરન્સ હોલ,ઓડીટોરીયમ અને થીયેટર સહિતની સવલતો મુકાશે,ઉપરાંત ઇકો પાર્ક,પાથ-વે,રીફ્રેશમેન્ટ,રાત્રે લાઈટીંગ સીસ્ટમ સહીત અનેકવિધ સુવિધાઓ વિકસાવાશે.પ્રોજેક્ટને ફરતે 6.5 કિ.મી લાંબી કમ્પાઉન્ડ વોલ નિર્માણ પામી રહી છે. ખાસ વાત એ કે,જે ભૂકંપ થકી આ સ્મૃતિવનનું સર્જન થઇ રહ્યું છે,એ વનમાં જ અર્થક્વેક સિમ્યુલેટર સેન્ટર બનાવશે. આ સેન્ટરમાં જે કચ્છના ભૂકંપથી અજાણ છે,અથવા અનુભવ કરવા માંગે છે તેવા લોકોને ભૂકંપની હકીકતમાં અનુભૂતિ કરાવશે.સલામતીના પગલાને ધ્યાનમાં લઇ યંગ જનરેશનને બોધપાઠ પણ શીખવવામાં આવશે,જેમ કે ભૂકંપ આવે તો શું કરવું અને કેવી રીતે બચવું?.

આમ,ભુજિયા એ એક મૃત જ્વાળામુખી પર્વત,ઐતિહાસિક કિલ્લા,શસ્ત્રાગાર,કોઠા,રિસર્વ ફોરેસ્ટ સહિતના અનેક પડાવ જોયા છે ત્યારે હવે આ કિલ્લો સ્મૃતિવનથી શોભી ઉઠશે,અને એની ઓળખમાં એક કાયમી છોગું ઉમેરાઈ જશે !

1,065 views1 comment
bottom of page