top of page

કચ્છમાં વસે છે 30 દીપડા,જાણો કચ્છમાં કયા પ્રાણીની કેટલી વસ્તી છે ?

કચ્છ,સૂકા રણનો પ્રદેશ જૈવ વૈવિધ્યતા થકી વિશ્વભરના પ્રકૃતિપ્રેમીઓનું માનીતું ઘર છે. કચ્છમાં સસ્તન વર્ગના પ્રાણી હોય કે,પાંખેથી ઉડતા પક્ષીઓ મરું,મેરુ અને મહેરામણ થકી અહીં અનેક પ્રજાતિઓ વસી રહી છે.આજે જાણીએ કચ્છમાં કેટલા અને કયા કયા વન્યજીવો વસી રહ્યા છે.

બન્નીના ઘાસિયા મેદાનમાં ઉડાન ભરતો કુંજનો પરિવાર / રોનક ગજજર

વર્ષ 2016માં છેલ્લે રાજ્ય વનવિભાગ દ્વારા વન્યજીવોની વસ્તી ગણતરી યોજાઈ હતી. જેના આંકડા કંઈક આ મુજબ છે.દીપડો જેની ત્રાડ સાંભળી ભલભલાના હાજા ગગડી જાય તેની સંખ્યા કચ્છમાં 30 નોંધાયેલી છે,સત્તાવાર રીતે દીપડા ખાસ કરીને હબાયની ગિરિમાળામાં મોટી સંખ્યામાં વિચરી રહ્યા છે.ઝરખની વસ્તી 136 બચી છે.મડદાનું પ્રાણી બીજાના શિકાર ખાવામાં મોટા ભાગે નિશાચર સમયે નીકળતા ભાગ્યે જ જોવા મળે છે. કચ્છમાં સારસની હાજરી પણ નોંધાયેલી છે,જો કે આંકડામાં ક્યાંય તેને સ્થાન અપાયું નથી.શિયાળાની શરૂઆત થતાં જ ગરુડ,પટ્ટાઇ,બાજ સહિતના શિકારી પક્ષીઓ પણ હજારોની સંખ્યામાં કચ્છમાં ધામા નાખે છે.પણ તેનો પણ અહીં ઉલ્લેખ સુદ્ધા નથી. કાચબાની પ્રજાતિ પણ વસ્તીમાં ગણતરીની બહારે રહી ગઈ છે.


ખાસ કરી શિયાળામાં કચ્છના મોટા રણમાં આવતા અતિ મહત્વના બે પક્ષીઓ મળતાવડી ટીટોડી અને મસ્કતી લટરોનો પણ વનવિભાગ દ્વારા કોઈ જ સર્વે કરવામા આવ્યો નથી. ત્યારે હવે પછીની વસ્તીગણતરી 2020માં કરવાં આવશે,ત્યારે વિકાસના ભોગે કેટલો વિનાશ થયો છે તે ધ્યાને આવશે ! 2018માં એક ઘોરખોદિયું કચ્છએ ખોયું,બીજું પણ મોતને ઘાટ જ ઉતર્યું ? ઘોરખોદિયું એટલે ગુરનાર સરકારી આંકડે કચ્છમાં 18 હતા.આ ચોપગા પ્રાણીને,13 જાન્યુઆરી 2019ના અંજાર તાલુકાના મથડા વાડી વિસ્તારમાં મધ્યપ્રદેશના કેલસિંઘે માથે પથ્થરનો ઘા કરી મોતને ઘાટ ઉતાર્યું હતું,જેથી સંખ્યાઆંક 17 થયો હતો. આ દુઃખદ ઘટનાના બે જ મહિના બાદ લખપતના બીટીયારીમાં ગુરનારને દોરડે ફેરવી મારીને રંજાડાયું હતું,સંભવત તેનું પણ આ દુનિયામાં હવે અસ્તિત્વ ન હોતા આ જીવ 16 જેટલા જ બચ્યા છે.

વરૂની વસ્તી ચિંતાજનક : હકીકતમાં આંકડો ઓછો ભારતીય વરૂ એટલે ઇન્ડિયન ગ્રે વુલ્ફની વસ્તી રાજ્યમાં ગણતરીના સ્થળે જ નોંધાયેલી છે. ખાસ કરીને કચ્છના નાના રણમાં,મોટા રણમાં અને ભાવનગર નજીક વેળાવદર નેશનલ પાર્કમાં દેખા દીધા હોવાના બનાવ છે. કચ્છમાં વરૂની સત્તાવાર વસ્તી ભલે 19 દર્શાવાઈ રહી હોય,પણ વાસ્તવમાં ઓછી સંખ્યામાં તેઓ બચ્યા છે.તેવો વન્યજીવ જાણકારોનો મત છે.


બિલાડી માત્ર બિલાડી નથી,જંગલી અને રણ બિલાડી પણ અહીંયા વસે છે કચ્છમાં બિલાડીની ત્રણ પ્રજાતિ છે,જંગલી બિલાડી જેની વસ્તી 375 છે. રણ બિલાડી જેને બધા ઘટ્ટ મૂછના મુખ સાથે બિલાડોથી પણ જાણે છે,તેની વસ્તી ગણતરી થઇ નથી. ત્રીજી અને અત્યંત દુર્લભ એટલે રસ્ટી સ્પોટેડ કેટ જે ગિરનાર બાદ વિરાણી નજીક નોંધાયેલી છે પણ સરકારી ચોપડે ચડી નથી. ઘોરાડ 10થી પણ ઓછા છે તો સરકારી આંકડો 25,ખડમોર 9 છતાંય દર્શાવાયા શૂન્ય ! ઘોરાડ કચ્છના નલિયામાં પવનચક્કી,દબાણ અને જંતુનાશકથી લડી લડીને 2007માં 48 હતા જે હવે માત્ર દસથી પણ ઓછા બચ્યા છે,જેની વસ્તી 2016ના આંકડે 25 હતી અને 2018ના સરકારી આંક મુજબ 20 છે. ઘોરાડની પ્રજાતિનું જ ખડમોર પક્ષી સરકારી ચોપડે શૂન્ય બોલે છે,પણ હકીકતમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા,ધ કોર્બેટ ફાઉન્ડેશન અને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા સંયુક્તપણે કરાયેલ સર્વેમાં માત્ર 10થી પણ ઓછા નોંધાયા છે.જે વર્ષ 2011માં 100 જેટલા હતા.



વર્ષ 2016ની અંતિમ વસ્તીગણતરીના આંકડા પર નજર કરીયે તો આટલા વન્યજીવો કચ્છમાં વસી રહ્યા છે.

દીપડા - 30,ઝરખ - 136,વરુ - 19,જંગલી બિલાડી - 375,લોંકડી -394,જંગલી ભૂંડ - 2309,હેણોતરો - 9,ઘોરખોદિયું - 18,ઘોરાડ - 25(<10),હોબારા - 22,ખડમોર - 0,રીંછ - 0,કચ્છમાં પક્ષીઓ - 152513,છારીઢંઢમાં પક્ષીઓ - 87304

1,083 views0 comments
bottom of page