top of page

જો...જો ! હાડકાના રોગ મટાડવાની ખોટી માન્યતા તળે સાંઢો લુપ્ત ન થઇ જાય

સ્પાઈની ટેલ લિઝાર્ડથી અંગ્રેજીમાં જાણીતી આ ગરોળી આપણે ત્યાં સાંઢોથી ઓળખાય છે.રાજ્યમાં ખાસ કરીને કચ્છમાં આમ તો આ ગરોળી જોવા મળતી,પણ હવે તે ધીરે ધીરે લુપ્ત થઇ રહી છે.તેનું વૈજ્ઞાનિક નામ Uromastyx Hardwickii છે.

નલિયાના ઘોરાડ અભ્યારણ્યના મેદાનમાં સાંઢો


તેની વસ્તી ઘટવાનું મુખ્ય કારણ એ છે કે,સાંઢોમાં એક પ્રકારનું તેલ હોય છે અને લોકો તેને 'વા' ની દવા એટલે ગોઠણમાં માલીશ કરવાના તેલ તરીકે ઉપયોગમાં લેવા ખોટી માન્યતા તળે મારી નાખે છે.હકીકતમાં,સાંઢોના તેલમાં એવા કોઈ જ તત્વો નથી જેનાથી હાડકાનો દુખાવો કે 'વા' મટે. આ માત્ર દાયકાઓથી પેઢી દર-પેઢી ચાલી આવતી માન્યતા છે,આ વાતને વન્યજીવ ક્ષેત્રના નિષ્ણાતોએ પણ સમર્થન આપ્યું હતું.


અત્રે ઉલ્લેખનીય છે કે લોકોએ અસંખ્ય માત્રામાં સાંઢોને મારી કચ્ચરઘાણ કાઢી નાખ્યું છે,જેનાથી આ અમુલ્ય જીવની સંખ્યા દિન-બદીન ઘટતી રહી છે.આ ઉપરાંત મર્દાનગી વધારવા પણ તેનામાં એફ્રોડિસિયા તત્વ હોવાનું લોકજીભે વણાયેલું છે.ત્રીજું છે કે બળદને ખવડાવી તેની તાકાત વધારવી.આમ કુલ એકંદરે માનવીય સ્વાર્થની માન્યતા હેઠળ એકસાથે આટલા મોટા પ્રમાણમાં સાંઢાની હત્યાઓ કરવામાં આવે છે.


અનૂકૂળ નિર્વસન તંત્રમાં સાંઢાની લાક્ષણિક અદા


સાંઢા પરના અન્ય ખતરાઓ જોઈએ તો,ઘણી જગ્યાએ પડતર જમીનમાં ખેડાણ થઇ જતા અને દબાણ વધી જતા જમીનમાં રહેતી આ ગરોળી કેટલીય જગ્યાએથી લુપ્ત થતી રહી છે.સાંઢોને ઘોરાડ ખોરાક તરીકે આરોગે છે,સીધો મતલબ છે કે જો સાંઢાના અસ્તિત્વ પર ખતરો તોળાશે તો પર્યાવરણની આખીય ફૂડ ચેઇન વિખેરાઈ જશે. મોટા ભાગે સાંઢો ગુજરાતના કચ્છમાં અબડાસા,બન્ની અને લખપત વિસ્તારમાં જોવા મળે છે.કરચલીવાળી ચામડી સાથે તેની કાંટાળી રૂવાડી સાથે ભીંગડાવાળી પૂંછડી વિશિષ્ટ છે.સાંઢો નર 40-49 સે.મી તથા માદા 34-40 સે.મી લંબાઈની હોય છે.આ ગરોળી શુદ્ધ શાકાહારી છે,તે માત્ર જમીન પરનું ઘાસ જ ખાય છે. કચ્છને બાદ કરતા મુખ્યત્વે તે રાજસ્થાનમાં જોવા મળે છે,તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના અમુક ભાગમાં જોવા મળે છે.

બાળ અવસ્થામાં આસપાસની સ્થિતિ નિરીક્ષણ કરતું બચ્ચું

પાકિસ્તાનમાં ખુલ્લેઆમ વેચાતો આ વન્યજીવ આપને ત્યાં પણ કેટલીય જગ્યાએ મોતને ઘાટ ઉતારી બંધ બારણે તેનું તેલ વેચાય છે.ભલે આપણે તેને ઉછેરવામાં તો મદદરૂપ નથી બની શકતા પરંતુ મારીએ તો નહિ જ.પડતર જમીનમાં જ્યાં આ વન્યજીવો નિવાસ છે ત્યાં શક્યત: ન ખેડી વન્યસંપદા બચાવીએ,

સાંઢોને મારવું ગુન્હો, 7 વર્ષની કેદ અને 25,000 નો દંડ ! સાંઢોને મારવું કાયદેસરનો ગુન્હો બને છે.આ ગરોળી વન્યજીવ સંરક્ષણ ધારા-1972 મુજબ અનુસૂચી-2(ભાગ-1) માં સમાવેશ થાય છે.જેને કોઈ પણ મારે તો તે ગુન્હો છે અને ગુન્હેગારને 7 વર્ષની કેદ તથા 25,000/- નો રોકડો દંડ કરવાની કાયદામાં જોગવાઈ છે. સાંઢો ખુદ આળસુ હોય છે,તેમાં શક્તિવર્ધક તત્વ કેમ હોય? સાંઢો પોતે આળસુ હોય છે,એમાં શક્તિવર્ધક તત્વ કેમ હોય?'. તે બહુ ઓછા કલાક જ જમીનથી બહારે એક્ટીવીટી માટે નીકળે છે.લોકો ગેર માન્યતામાં અમુલ્ય વનસંપદા ને હણી નાખે છે.જે દુઃખદ બાબત છે

754 views0 comments
bottom of page