top of page

16 જૂન 1819 : 19મી સદીનો વિશ્વનો સૌથી વિનાશક ભૂકંપ,લખપત પડી ભાંગ્યું અને સિંધુનો છેડો ફાટ્યો

Updated: Jun 17, 2020

પ્રસ્તાવના


આજે 16 મી જૂન 2020. સાંપ્રત પરિસ્થિતિમાં દેશ અને દુનિયા કોરોના જેવી મહામારી સામે ઝઝૂમી રહ્યા છે. હજુ 19 વર્ષ પહેલા જ કચ્છને તહસ-નહસ કરનારા ભૂંડા ભૂકંપની યાદ લોકોના દિમાગ પરથી મિટાઈ નથી ત્યાં રવિવાર પછી 4 અને 5 ની તીવ્રતા ધરાવતા આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. ત્યારે આજથી બરોબર 201 વર્ષ પૂર્વે આજના જ દિવસે 16 મી જૂન 1819ના સાંજે 6:45 વાગ્યે ધરતીકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને આખા દેશને ધ્રુજાવી નાખ્યો હતો. 2001ના ભૂકંપ કરતા પણ 1819ના ભૂકંપની તીવ્રતા આર્થિક,સામાજિક અને ભૌગોલિક રીતે વધુ હતી.


હજુ 201 વર્ષ અને 1 દિવસ પૂર્વે સિંધુ નદીના પાણી કચ્છમાંથી વહેતા હતા,આ ધરતીકંપે સિંધુ અને કચ્છ વચ્ચે અલ્લાહબંધ રચી આડશ ખડકી દીધી. સિંધુના પાણી કચ્છમાં આવતા બંધ થઇ ગયા. આ પાણીથી કપાસની ખેતી કરતા કચ્છીઓ સમયકાળે હિજરત કરવા મજબૂર થયા. મુંબઈ અને દેશ-દુનિયાના અનેક ઠેકાણે તેમને પોતાનું આગવું કચ્છ વસાવ્યું. સિંધુ નદી બંધ થઇ જતા એ સમયે લાખોની આવક હતી એવું લખપત બંદર વેરાન બન્યું. કચ્છની જાહોજલાલી જાણે હણાઈ ગઈ,એવી અધોગતિ કમસેકમ 2001ના ભૂકંપ બાદ નથી થઇ. આપણું સૌભાગ્ય !


1819ના ભૂકંપની આ ઘટના અહીંથી તાદ્રશ્ય કરીશું એ જમાનામાં અંગ્રેજ અમલદાર કેપ્ટ્ન મેકમર્ડોના લખાણથી. જયારે સંદેશ વ્યવહારના સાધનો ટાંચા હતા,ત્યારે કેપ્ટ્ન મેકમર્ડોએ અંગ્રેજ સરકારને પાઠવેલા શ્રેણીબદ્ધ પત્રોના માધ્યમથી આજે આપણે જાણી શકીએ છીએ, કે એ ભૂકંપની થપાટ કેટલી ભયાવહ હતી. પત્રકાર રોનક ગજ્જરે તેનો પૂરતો અભ્યાસ કર્યો છે અને આ વેબસાઈટના માધ્યમથી શ્રેણીબદ્ધ રીતે તે સમયની કપરી સ્થિતિનું આલેખન કરશે.


- તુષાર માહેશ્વરી (ભુજ,કચ્છ 16-6-2020)


-----------------------------------------




અલ્લાહબંધ ભૂકંપ અને વિનાશની ગાથા


રોનક ગજ્જર (૧૮૧૯ ના ભૂકંપનું સત્ય ભાગ : ) : 16 જૂન 1819ના સાંજે 6:45 વાગ્યે 7.9 મૅગ્નિટયૂડનો અતિ વિનાશક ભૂકંપ આવ્યો હતો,જેને કચ્છના નકશામાંથી સિંધુનું વહેણ ગાયબ કરીને 90 કિલોમીટર લાંબો,16 કિલોમીટર પહોળો અને 6 મીટર ઊંચો એક બંધ સર્જી દીધો હતો,જે ઇતિહાસમાં અલ્લાહબંધથી ઓળખાય છે. કચ્છના મોટા રણમાં આજથી બે સદી પહેલા એટલે કે 201 વર્ષ પહેલા આવેલા આ ભયંકર અને ભૂગોળમાં સદીઓ સુધી ન પૂરનારી તિરાડ આ ભૂકંપએ પાડી દીધી છે,જેને દેશના સૌથી મોટા જિલ્લા કચ્છનું ભૂગોળ,સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ફેરવી નાખ્યું હતું.

કચ્છના રણમાં ભૂકંપ બાદ ઉભી થયેલી આ કુદરતી સપાટી અલ્લાહબંધથી ઓળખાય છે. સમય સાથે આ બંધની ઊંચાઈમાં પણ ઘટાડો નોંધાયો છે. ( ફોટો સૌજન્ય : ડો મહેશ ઠક્કર )


પાકિસ્તાનના સિંધ નદીની એક ચેનલ જે નરાથી ઓળખાય છે,તેનો અલ્લાહબંધ સર્જાઈ જતા કચ્છ સાથે છેડો કાયમ માટે આ દિવસથી ફાટી ગયો હતો.ન માત્ર સિંધુનું વહેણ પણ આ સાથે કચ્છના પશ્ચિમી છેવાડે આવેલા લખપત બંદરનું ઓમાન,કરાચી જેવા દેશો સાથેનું ઇનલેન્ડ નેવિગેશન બંધ થઇ ગયું અને વહાણવટા ઉદ્યોગ અને લખપત કાયમ માટે આર્થિક રીતે પડી ભાંગ્યું હતું.


ભૂકંપની સાંજે પ્રલયકારી પ્રથમ આંચકો આવ્યો હતો,જે પછી આંચકા આખી રાત ચાલતા રહ્યા.ભુજમાં 7000 મકાન ધરાશાયી થયા અને 1140 લોકો મૃત્યુ પામ્યા હતા. જાણકારોના મત મુજબ આ ઘટનાથી ગુજરાતમાં અંદાજિત 2000 લોકો મૃત્યુ પામ્યા હતા અને 7000 ઘર ધરાશાયી થયા હતા.જો કે આ ભૂકંપ વર્ષ 893 માં ડેબાલ અને 1668માં બ્રાહ્મણા બાદ આવેલો આ ભૂકંપ અત્યાર સુધીનો કચ્છનો સૌથી ભયાવહ ભૂકંપ સાબિત થયો હતો.

ભુજમાં ઘણાને લાગ્યું છે,લોહી લુહાણ છે,ભયથી બેબાકળા છે : કેપ્ટ્ન મેકમર્ડો

ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કચ્છ રાજ્યમાં તે વખતે પહેલા પોલિટિકલ રેસિડેન્ટ તરીકે કેપ્ટ્ન જેમ્સ મેકમર્ડોને મુકાયા હતા.કેપ્ટ્ન મેકમર્ડોએ તત્કાલીન એશિયાટિક જર્નલમાં 1819ના ભૂકંપનું વર્ણન કરતા લખ્યું કે, "અમે અત્યારે માનસિક તંગ હાલતમાં છીએ.ગઈ કાલે સાંજે 6 થી 7 વચ્ચે  ભયાનક ભૂકંપ થયો. ભુજના ગઢની દીવાલો જમીનદોસ્ત થઇ ગઈ છે. રાજાના મહેલ સહિત ઘણી મોટી સંખ્યામાં મકાનોને પારાવાર નુકસાન થયું છે. આજે ધરતીકંપને ત્રણ દિવસ થયા. હજુ ધરતીમાં આંચકા વારંવાર આવ્યા કરે છે.ભુજના શહેરીજનોનું કલ્પાંત દુઃખદ છે.ઘણાને લાગ્યું છે,લોહી લુહાણ છે,ભયથી બેબાકળા છે. ભુજ બહાર નાના-નાના ડુંગરની ધાર પાસે લોકો ભાગી ગયા છે. ત્યાં રહે છે પણ દરરોજ સાંજે તેઓ  પોતાના જમીનદોસ્ત થયેલા ઘરોમાંથી પોતાના કુટુંબીજનો,પત્ની,છોકરા,ભાઈબહેન,મા-બાપ વગેરેના છૂંદાયેલા દેહો મેળવવા ગામમાં જાય છે.બીક છે,ક્યાંક જ્વાળામુખી પણ ફાટ્યો હશે. અંજારમાં પણ નુકસાન છે" આ વર્ણન શબ્દશ: કેપટને લખ્યું હતું.


ભૂકંપ થકી આટલી મોટી સપાટી વિશ્વમાં ક્યાંય નિર્માણ નથી પામી : નિષ્ણાત

પાકિસ્તાનના સિંધથી લઈને કચ્છના મોટારણમાં શક્તિબેટ સુધીના બંને છેડે વર્ષ 16 જૂન 1819ના ભૂકંપે કચ્છને ન માત્ર વિશ્વના ભૂસ્તરશાસ્ત્રમાં ઊથલપાથલ સર્જી પણ અહીં વિશ્વનો અનન્ય ભૂ-ભાગનું નિર્માણ થયું. અલ્લાહબંધ 90 કિલોમીટર લાંબો,16 કિલોમીટર પહોળો અને 6 મીટર ઊંચો ભૂકંપ થકી ઉદ્ભવ પામ્યો. જે વિશ્વનો એકમાત્ર છે,અન્ય ક્યાંય નથી તેમ અલ્લાહબંધ પર સંશોધન કરનારા અને કચ્છ યુનિવર્સીટીના પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના વડા વિભાગના ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું.


19મી સદીનો વિશ્વનો સૌથી મોટો અને ભયંકર ઇન્ટ્રા-પ્લેટ ભૂકંપ : ISR ડાયરેક્ટર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગરના ડાયરેક્ટ ડો.સુમેર ચોપરાએ જણાવ્યું કે, અલ્લાહબંધનું સર્જન અને કચ્છનો 1819નો ભૂકંપે 19 મી સદીનો વિશ્વનો સૌથી ભયાવહ ભૂકંપ સાબિત થયો છે.ભૂસ્તરશાસ્ત્રમાં બદલાવ લાવવાવાળો આનાથી મોટો ભૂકંપએ સદીમાં કોઈ જ ન હતો. જેને 2400 કિલોમીટર દૂર આવેલા કલકતામાં પણ ખળભળાટ સર્જી દીધો હતો. 


રોજની લાખો કોરીની આવકવાળું લખપત ભેંકાર થયું

સમયની થપાટ એટલી મોટી હતી કે જેનું નામ રોજની લાખ કોરી (કચ્છનું જે તે સમયનું ચલણ)નો વેપાર થતો હોવાથી લખપત પડ્યું હતું, તે વહેણ બંધ થતાંની સાથે અને ભૂકંપ, ત્સુનામીની તારાજી બાદ પડી ભાંગ્યુ હતું. એક સમયે મુંબઈ સહિત દૂરદૂરથી અહીંથી માલ, સામાનની થતી આયાત નિકાસ બંધ થઈ ગઈ હતી. જેના કારણે વેપાર, ધંધા તૂટી પડ્યા, જે હતા તેમની પાસે કરવા માટે કાંઈ ન રહ્યું હતું. જે લખપત શહેરમાં લૂંટના ઈરાદે હુમલો ન થાય તે માટે ચારે બાજુ કિલ્લેબંધી કરવામાં આવી હતી



(ક્રમશ:)

-----------------------------------------


1819ના ભૂકંપ,અલ્લાહબંધ પર સંશોધનાત્મક વાંચન,ક્યારેય ઉજાગર ન થયેલા પાસાને ઉજાગર કરવા મને હમેંશા પ્રોત્સાહન આપનારા અને પત્રકારત્વમાં હરહમેંશ મારા પથદર્શક વરિષ્ઠ પત્રકાર શ્રી તુષારભાઈ માહેશ્વરીને આ શ્રેણી સાદર અર્પણ !

-----------------------------------------

અલ્લાહબંધ અને કચ્છના 1819ના ભૂકંપ પર બ્રિટિશ સરકાર સાથેનો કેપ્ટ્ન મેકમર્ડોનો અક્ષરશ: પત્રવ્યવહાર,નુકસાન અને બંદરની જાહોજલાલી ગરકાવ થયા સહિતના કેટલાય ઉજાગર ન થયેલા પાસાઓ અહીં ઉજાગર થશે !


આપ વાંચતા રહો www.ronakgajjar.in


8,862 views0 comments
bottom of page