top of page

કચ્છના રણમાં ધમધમતા બે કસ્ટમ સેન્ટર ભૂકંપ બાદ જમીનમાં ધરબાઈ ગયા

રોનક ગજજર (૧૮૧૯ના ભૂકંપનું સત્ય - ભાગ 5) : 1819 ના ભૂકંપ પહેલા કચ્છના પશ્ચિમી કાંઠે અરબી સમુદ્રમાં ભળતા પહેલા સિંધુ નદી જે નરા ચેનલમાંથી આવતી તે,લખપતની જમીનને મીઠું પાણી પૂરું પાડતી હતી.ઇતિહાસના પાનાઓમાં નોંધાયેલ છે કે,આનાથી કચ્છ રાજ્યને લાખોની કોરીની ધરખમ આવક થતી હતી. સિંધુના પાણી થકી અહીં વિપુલ પ્રમાણમાં ડાંગરનું ઉત્પાદન થતું હતું. જે સિંધુના વહેણ સાથે બંધ થઇ ગયું.




લખપત બંદરે સિંધવ નામના લાલ ચોખાની ખેતી થતી,જેની નિકાસ પાકિસ્તાન,ઈરાન,ઇરાક અને અફઘાનિસ્તાનમાં થતી હતી.આ રીતે લખપતનો આ દેશો સાથે આર્થિક વ્યવહાર તૂટી પડતા લખપત આર્થિક રીતે સીધું ભાંગી ગયું અને ધીરે-ધીરે અહીંથી લોકો હિજરત કરી ગયા.લિગ્રાન્ડ જેકબ નામના અંગ્રેજ અધિકારીએ 1860માં લખપતની મુલાકાત લીધી ત્યારે નોંધ્યું કે અહીં માત્ર 20 લોકો જ બચ્યા છે,જેમાંથી 12 માત્રને તેણે જોયા હતા.આ સાથે જ કચ્છના રણમાં ધમધમતા બે કસ્ટમ સેન્ટર ભૂકંપ બાદ જમીનમાં ધરબાઈ ગયા હતા.

નરા ચેનલ અને સિંદરી ડિપ્રેશનની ગૂગલ ઇમેજ


હાલ કચ્છમાં મુન્દ્રા અને કંડલા બંદર વૈશ્વિક સ્તરે જિલ્લાનો ડંકો વગાડી રહ્યા છે,પણ આજથી બસો વર્ષ પહેલા પણ કચ્છ પાસે લખપત બંદર માટે બે કસ્ટમ કલેક્શન કેન્દ્ર હતા.બાસ્તા બંદર અને સિંદરી બંદર,પણ 1819ના ભૂકંપે કાયમ માટે તેનું નામોનિશાન મિટાવી દીધું અને જમીનમાં ગરકાવ કરી નાખ્યા.અત્યારના ભારત-પાકિસ્તાનના ભૂગોળ મુજબ વર્ષ 1819ના ભૂકંપમાં કચ્છના મોટા રણનો કેટલો જમીની ભૂભાગ ઉપસ્યો તો કેટલો ગરકાવ થયો હતો.આ બંને બંદર હાલના ભારત-પાકિસ્તાનની જમીની સીમા નજીક આવતા હતા.


અલ્લાહબંધ અને સિંદરી ડિપ્રેશન


લખપતથી પાકિસ્તાન તરફ 35 કિલોમીટર દૂર નરા ચેનલમાં એક કિલ્લો આવેલો હતો,જેનું નામ છે સિંદરી કિલ્લો.અલ્લાહબંધનો કુલ વિસ્તાર 19 ફૂટ ઊપસ્યો તો સિંદરી કિલ્લો જમીનમાં ગરકાવ થઇ ગયો હતો.સિંદરી બંદર એ સમયે કચ્છ અને પાકિસ્તાન વચ્ચેનું કસ્ટમ કલેક્શન સેન્ટર હતું. જળમાર્ગે જતા વહાણો પાસેથી અહીં કસ્ટમ ડ્યુટી લેવામાં આવતી હતી.

નરાનું વહેણ અને બાસ્તા - સિંદરી બંદર દર્શાવતો નકશો


બીજી તરફ સિંધના ડેલ્ટામાં આવેલ બાસ્તા બંદર વહાણવટાઓ માટે રોકવાનું એક સ્થાન હતું,અને એ પણ વહાણવટા ઉદ્યોગનું એ સમયનું કસ્ટમ કલેક્શન સેન્ટર હતું. જે અત્યારે અટપટી ક્રીક પડાલા ક્રીકમાં આવેલો છે.કોટેશ્વરની પશ્ચિમમાં 25 કિ.મી.પશ્ચિમ દિશામાં સ્થિત છે.બાસ્તા બંદરની સંરક્ષિત દિવાલની રચના સૂચવે છે કે,આ કિલ્લો બહુકોણીય પાંચ દિવાલોથી બનેલો હતો અને એક દરવાજો પશ્ચિમની દિવાલમાં 5 મીટર પહોળો હતો.


કોરી ક્રીકમાં આવેલ બાસ્તા બંદરના અવશેષ સમી દીવાલ- તમામ ઇમેજ : ડો મહેશ ઠક્કર


પડાલા ક્રીકમાં આજે પણ બાસ્તા બંદરના અવશેષો ઉપ્લબ્ધ છે. ભરતી અને કાદવના ફ્લેટથી માત્ર એક મીટરની અંતરે કિલ્લાની દિવાલના અવશેષો બચ્યા છે. નોંધનીય બાબત છે કે, દિવાલ મોટે ભાગે લખપત નજીક મળતા લાઇમસ્ટોનના પથ્થરોથી બનેલી છે. જે સૂચવે છે,આજથી બસ્સો વર્ષ પહેલા પણ તેનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થતો હતો.સમયના વહેણમાં કચ્છના આંતરરાષ્ટ્રીય વેપાર માટેના સુવર્ણ ભૂતકાળના બંને બંદર કાયમ માટે નકશામાંથી ભૂંસાઈ ગયા.


---------------------------


(ક્રમશ:)


આપ વાંચતા રહો www.ronakgajjar.in

2,077 views0 comments
bottom of page