top of page

જયારે ભુજવાસીઓને 18 જૂન 1819ના ટેકરીઓ પર સૂઈ જવું પડ્યું હતું..

રોનક ગજજર (૧૮૧૯ના ભૂકંપનું સત્ય - ભાગ 3) : કચ્છના રણમાં ઉથલપાથલ સર્જી દેનારા 16 જૂન 1819ના ભૂકંપ બાદ ભુજ શહેરમાં 18 જૂનની સવારે ઘણું બદલાઈ ગયું હતું,પણ અંગ્રેજ અફસરો આ બાબતથી અવગત ન હતા.એ સમયે માત્ર આસપાસની સ્થિતિ અને આંખે દેખ્યો અહેવાલ તાત્કાલિક તેઓ બોમ્બે પત્રવ્યવહારથી કરી રહ્યા હતા.



કોરોના મહામારી વચ્ચે રવિવારે કચ્છમાં 5.3 મેગ્નીટ્યૂડના ભૂકંપમાં પણ લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા અને કેટલાય લોકો ઘરમાં જતા ડરી રહ્યા હતા,ત્યારે 16 જૂન 1819ના ધરતીકંપ બાદ ભુજના સ્થાનિકો રાત્રે ટેકરી અને મેદાનોમાં સુઈ ગયા હતા,તે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.


બીજીતરફ બ્રિટિશ સરકારના રેસિડેન્ટ કેપ્ટ્ન મેકમર્ડોને ભૂકંપ સાથે અંજાર શહેરમાં પૂરની સ્થિતિની પણ ચિંતા થઇ હતી,આ બાબત સક્ષમ અધિકારીની સમયસૂચકતાનું નિર્દેશક છે.સદીના વિનાશક ભૂકંપ જેવી કપરા સમયમાં જિલ્લાની જવાબદારી વચ્ચે તેઓને અંજારની શેરી-ફળિયામાં પાણી ભરાયા તે બાબતની ચિંતા કરી હતી.અને આજનો સમય છે,કે સ્થાનિક નગરપાલિકાઓને શહેરના વરસાદી નાળાને ડૂચા જોઈને પણ પેટનું પાણી પણ નથી હલતું !


કોમ્યુનિકેશનની બાબતમાં અંગ્રેજો પાસે આજથી બે સદી જૂની સિસ્ટમ પણ શીખવા જેવી છે.કેપ્ટ્ન મેકમર્ડોએ અંજારના જ કમાન્ડિંગ ઓફિસર પાસે પત્ર દ્વારા શહેરની સ્થિતિ મુદ્દે સિપાહીઓની મદદ માંગી હતી,જે આપવાનો કમાન્ડિંગ ઓફિસરે ઇન્કાર પણ કરી દીધો હતો. જો આજના સમયમાં આવું થાય તો ? બદલી,સસ્પેન્ડના ઓર્ડરની પીડીએફ વોટ્સએપમાં નોટિફિકેશનમાં તરત આવી જાય !



વાંચો શું થયો હતો પત્રવ્યવહાર ?


----------------------------


મેકમર્ડોએ મોર્ગનને મદદ માટે વિંનતી કરી


પ્રતિ

કેપ્ટન જેમ્સ મોર્ગન

કમાન્ડિંગ ઓફિસર-અંજાર


સાહેબ,


1).અંજાર શહેરની સલામતી માટે ખૂબ મહત્વનું છે,કે કે વરસામેડી (વર્સામૂરી - પત્ર મુજબ) અને સોરઠીયા નાકા (સોર્ટીયા- પત્ર મુજબ) અને વરસાદી વહેણમાંથી ખંડેર હટાવીને સાફ કરવું જોઈએ, જેથી પાણી પસાર થઈ શકે. નહિતર વરસાદના કિસ્સામાં શહેરનો અડધો ભાગ પાણીથી ભરાઈ જશે.


2). હવામાનની ભયંકર સ્થિતિના પગલે અને તમામ નગર લોકો હાલમાં તેમના પરિવારો અને મિલકતના નાના અવશેષોને બચાવવામાં કાર્યરત છે.હું વિનંતી કરવા માટે સ્વતંત્રતા લઈશ,અને તમને કોઈ વાંધો ન હોવો જોઇએ કે નિયમિત સિપાહીઓને થોડા દિવસો માટે સહાય કરવાની મંજૂરી આપવામાં આવે.જેથી તેમના શ્રમ દ્વારા જાહેર હિત માટે પાણી અને પ્રવેશદ્વાર માટેના માર્ગો સાફ થઇ શકે..હું આ વિનંતી ઓછા ખચકાટ સાથે કરું છું,કારણ કે ભયાનક કમનસીબી વચ્ચે કાર્યરત ટુકડીઓ પર થોડું ભારણ ઘટી શકે.


મેકમર્ડો

17 જૂન 1819


----------------------------


મોર્ગને મેકમર્ડોને ચોખ્ખા શબ્દોમાં સહાય માટે ના પાડી દીધી હતી


પ્રતિ

કેપ્ટન જેમ્સ મેકમર્ડો

રેસિડેન્ટ


સાહેબ,

હાલના સંજોગોમાં રક્ષક-સૈન્ય લશ્કરી ફરજો સાથે સુસંગત છે.મને કહેતા ચિંતા થાય છે કે,તમારી વિનંતીનું પાલન કરવું તે મારા અધિકારમાં નથી.તેમની ફરજો માટે હું મંજૂરી આપવા માટે તૈયાર છું,જો તે જ મુદ્દે વધારે તીવ્રતાની જરૂરિયાત હોય.હું સૈન્ય પ્રકૃતિના કાર્યની કલ્પના કરું છું,તે આ મુદ્દે અયોગ્ય અને સ્થાપિત ઉપયોગ સાથે અસંગત હશે.


આદર સાથે

થોમસ મોર્ગન,

કેપ્ટન કમાન્ડિંગ અંજાર.

17 જૂન 1819


----------------------------


ભુજના રેજિમેન્ટ કમાન્ડર અધિકારીને શહેરમાં 500 મોતનો અંદાજ આવ્યો



18 જૂન 1819-ભુજ


પ્રતિ,

વિલિયમ ન્યૂહામ

એક્ટિંગ સેક્રેટરી

ગવર્નમેન્ટ ઓફ બોમ્બે


અમે હજુ પણ શંકાસ્પદ અને અત્યંત અસ્વસ્થ સ્થિતિમાં છીએ. દર ત્રણ કલાકમાં અમને લાગે છે કે પૃથ્વી અમારા નીચે ધીમી ડિગ્રીમાં ધ્રુજી રહી છે. સ્થાનિક રહેવાસીઓએ ગઇકાલે શહેર છોડી દીધું છે અને મેદાનો અને નજીકની ટેકરીઓ પર છેલ્લી રાત્રે સૂઈ ગયા હતા. હાલમાં જીવ ગુમાવનારાઓની સંખ્યા લગભગ 500 જેટલી છે.


મને કેપ્ટ્ન મેકમર્ડો તરફથી પત્ર મળ્યો છે,જે હાલમાં જ ડૂલી બિયરર્સ સાથે અંજારની શેરીઓ અને દરવાજાઓ ખુલ્લા કરાવવા ગયા હતા.તેમનું કહેવું છે કે,જો વરસાદ પડે એના પહેલા સફાઈ નહિ કરવામાં આવે તો અંજાર શહેર તરતું હશે. તેઓ ત્યાં ભયંકર સ્થિતિમાં છે તે દેખાય છે.



કર્નલ માઈલન્સ

રેજિમેન્ટ કમાન્ડર અધિકારી-ભુજ


----------------------------


(ક્રમશ:)


આવતા અંકમાં વાંચો ભુજ અને અંજારનો અંગ્રેજ અધિકારીઓનો આંખે દેખ્યો અહેવાલ અને કચ્છના ભૂકંપને પગલે 200 વર્ષ પહેલા ટેક્ષ માફીનો નિર્ણય..


આપ વાંચતા રહો www.ronakgajjar.in



904 views0 comments
bottom of page