top of page

''અંજારમાં ચોથા ભાગના ઘરો પણ ઉભા બચ્યા નથી'' : મેકમર્ડોનો હાઇકમાન્ડને પત્ર

Updated: Jun 18, 2020

રોનક ગજજર (૧૮૧૯ ના ભૂકંપનું સત્ય - ભાગ ) : કચ્છના રણમાં આવેલ 16 જૂન 1819નો ભૂકંપ 19 મી સદીનો વિનાશકારી ભૂકંપ સાબિત થયો,કચ્છના રણમાં અલ્લાહબંધ તો સર્જી દીધો હતો,પણ તેની અસર છેક કલકતા સહીત અમદાવાદ અને સુરતમાં પણ ગંભીર રીતે નોંધાઈ.


આજે દેશના કોઈ પણ છેડે નાનકડા આંચકો આવે તો થોડી જ મિનિટોમાં તેની નોંધ વેબસાઈટના માધ્યમથી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી આપી દે છે,પણ કચ્છના એ ભૂકંપની જાણ મુંબઈ કઈ રીતે થઇ હશે ?. કચ્છના 1819ના પાસા ઉજાગર કરવા કચ્છના 'ભૂરિયા બાવા' થી ઓળખાતા જેમ્સ મેકમર્ડો અને સાથી અંગ્રેજ અધિકારીઓના પત્રો મહત્વના સાબિત થયા. જેમ્સ મેકમર્ડોએ પોતાનું વડુંમથક અંજારને બનાવ્યું હતું.શહેરના ટીંબી કોઠા પર તેણે વર્ષ ૧૮૧૮માં એક બંગલો બનાવ્યો હતો.અન્ય અંગ્રજ અધિકારીની વિરૃધ આ મેકમર્ડોએ ભારતીય પરંપરાઓથી બંગલો શુસોભીત કર્યો હતો.ભૂકંપ આવ્યો ત્યારે કચ્છનો વડો ત્યાંજ બેઠો હતો..


હાલ જે રીતે રાજ્યોનું રિપોર્ટિંગ દિલ્હી થાય છે,બ્રિટિશ રાજમાં તે વખતના આલા અધિકારીઓ રિપોર્ટિંગ ગવર્નર ઓફિસ,બોમ્બેને કરતા હતા.કચ્છના ભૂકંપની અસરનો વરવો ચિતાર આપતા દરેક પત્રો બોમ્બે ગયા હતા.જેમ્સ મેકમર્ડોના હસ્તલિખિત પત્રો અને અન્ય પૂરક સાહિત્ય તેને લિટરરી સોસાયટી ઓફ બોમ્બેને આપ્યા હતા. બાદમાં તેનું ડિજિટલાઇઝેશન કરાયું હતું.અહીં રજૂ કરાયેલા પત્રો તે સંગ્રહનું ગુજરાતી અનુવાદ છે,જેથી આપ એ સમયની સ્થિતિ સમજી અને અનુભવી શકશો.



ભૂકંપના બીજા જ દિવસે 17 જૂનના એટલે કે 201 વર્ષ પહેલા આજના દિવસે, અંગ્રેજ અધિકારીઓએ બોમ્બે પત્રો લખી રિપોર્ટ કર્યો હતો,વાંચો તેનું વર્ણન




----------------------------



"અંજારના ચોથા ભાગના ઘરો પણ ઉભા બચ્યા નથી,અને જેટલા ઉભા છે એ પણ બરબાદ થઇ ગયા છે" : મેકમર્ડો


અંજાર, 17 જૂન 1819

વિલિયમ ન્યૂહામ,

એક્ટિંગ સેક્રેટરી,

ગવર્નમેન્ટ ઓફ બોમ્બે


સાહેબ,

મને જણાવતા દુઃખ થાય છે કે આ સ્થળે ગઈકાલે સાંજે 7 વાગ્યામાં દસ મિનિટની વાર હતી, ત્યારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની અસર બે મિનિટ સુધી રહી હતી,જેણે કિલ્લાની દીવાલને ભોંય ભેગી કરી દીધી છે. 100 યાર્ડની પણ કોઈ દીવાલ ક્યાંય બચી નથી.તોપ અને ટાવર બધાય જમીન ભેગા થઇ ગયા છે.


નગરનો વિનાશ ભયાનક રીતે થયો છે. શહેરના ચોથા ભાગના ઘરો પણ ઉભા બચ્યા નથી,અને જેટલા ઉભા છે એ પણ બરબાદ થઇ ગયા છે. હું હજુ પણ નુકસાનની વિગતો જણાવી શકું તેમ નથી પણ એક શબ્દમાં કહી શકું છું કે,એક જ ક્ષણમાં સમૃદ્ધ વસ્તી દુર્ઘટના અને આફતમાં ફેરવાઈ ગઈ છે. મને ભય છે કે,ઇજાગ્રસ્તો સિવાય આપણે સો થી વધુ લોકો ગુમાવ્યાનો વિલાપ કરવો પડશે. દેશભરના પત્રો આસપાસના ગામડાઓમાં સમાન વિનાશ થયો હોવાનું જણાવી રહ્યા છે.ભુજનો પત્ર કહે છે કે,અંજારના કિલ્લા માફક જ ત્યાંના કિલ્લાની પરિસ્થિતિ છે.આંચકા આવવાના હજુ ચાલુ જ છે.વધુ વિગતો મળતા જ હું અહેવાલ કરીશ.

સન્માન સાથે,

કેપ્ટ્ન જેમ્સ મેકમર્ડો

અંજાર.


----------------------------


"ભુજનું રક્ષણ કરતી દીવાલ જમીનદોસ્ત થઇ ગઈ છે" : રેજિમેન્ટના કમાન્ડર અધિકારી-ભુજ


ભુજ, 17 જૂન 1819

પ્રતિ,

વિલિયમ ન્યૂહામ,

એક્ટિંગ સેક્રેટરી,

ગવર્નમેન્ટ ઓફ બોમ્બે


અમે અત્યારે ભયસૂચક સાથે આઘાતજનક સ્થિતિમાં છીએ. ગત સાંજે છ થી સાત વાગ્યાની વચ્ચે અહીં ભયંકર ભૂકંપ આવ્યો હતો. ભુજનું રક્ષણ કરતી દીવાલ જમીનદોસ્ત થઇ ગઈ છે, કેટલાક ટાવર જે ઉભા રહી ગયા હતા તે પણ તૂટેલા રહી ગયા છે. મોટી ઇમારતો અને મહેલોને પણ ઘરો સાથે નુકસાન પહોંચ્યું છે.


ડુંગરના કિલ્લાની દીવાલ કેટલીય જગ્યાએ નીચે આવી ગઈ છે,તો દરવાજા પાસે પડી ભાંગી છે. મને જણાવતા આનંદ થાય છે કે, આપણે કોઈ ભૌતિક નુકસાન નથી પહોંચ્યું.બે સિપાહીઓ કે જેઓ શહેરમાં ફરજ પર હતા તેમને ઉઝરડા થયા છે.પણ મને ડર છે કે,ત્યાં ગરીબ સ્થાનિકોમાં ઘણા બધાની જાનહાનિ થઇ છે.કેટલાક સો લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે,અત્યારે એટલી બધી મૂંઝવણ છે કે ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી.

અમે રાત્રે પણ ભૂકંપના કેટલાક આંચકા અનુભવ્યા. જે આજેય દિવસમાં સમયાંતરે આવતા રહ્યા છે.છેલ્લો બે કલાક પહેલા આવ્યો હતો,જેમાં હું મારા પગ પર માંડ ઉભો રહી શક્યો હતો.જ્યારે તે આવે છે ત્યારે ઉદ્વેગ ભયાનક હોય છે.અંજારમાં સમાન રીતે થયું છે,જે અમે સમજી શકીએ છીએ.


કર્નલ માઈલન્સ

રેજિમેન્ટ કમાન્ડર અધિકારી

ભુજ


----------------------------



"આંચકો આવ્યો તો એક કેદી જેલમાંથી ભાગી ગયો છે" : જજ , અમદાવાદ અદાલત


અમદાવાદ,17 જૂન 1819


પ્રતિ,

વિલિયમ ન્યૂહામ,

એક્ટિંગ સેક્રેટરી,

ગવર્નમેન્ટ ઓફ બોમ્બે


સાહેબ,


1).ગઈકાલે સાંજે ચોક્કસ 7 કલાકે આ શહેરમાં ધરતીકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો, દક્ષિણ પશ્ચિમની દિશામાંથી તે આવ્યો હતો. કેટલી વાર ચાલ્યો તે અંગે વિવિધ મંતવ્યો છે,મને લાગે છે તે મુજબ બે મિનિટ સુધી ચાલ્યો હતો.


2).ખુશી એ વાતની છે કે,કોઈ એ જીવ ગુમાવ્યો નથી,પરંતુ જે નુકસાન થયું છે તે નોંધપાત્ર છે. ઊંચા અને સુંદર એવા જામા મસ્જિદના મિનારા પડી ભાંગ્યા છે. દીવાલની બહારના મિનારાઓનું નસીબ પણ એટલું જ નબળું હતું.અન્ય ઘણી મસ્જિદો વેરવિખેર થઇ ગઈ છે અને ભારે નુકસાન પામી છે. શહેરનો એક દરવાજો પણ પડી ભાંગ્યો છે. સરકારી ઇમારતમાં એકલી અદાલતની દીવાલ નુકસાનગ્રસ્ત થઇ છે તે પડી નથી. કેટલીય જગ્યાઓએ તિરાડ પડી ગઈ છે તેથી આ સ્થળે એન્જિનિયર ઑફિસથી તેની તપાસ કરવા વિનંતી કરવી જરૂરી છે.

3).કેટલાય લોકોના ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે,પણ કેટલા તે ચોક્કસ ધ્યાને નથી.હું આ થયેલા નુકસાન વિશે પૂછપરછ કરીશ. જો તે લોકોના જીવનમાં થયેલી અસ્વસ્થતાઓને ધ્યાનમાં રાખીને પ્રમાણમાં ખૂબ વધુ લાગશે તો સરકારની ઉદારતા નિષ્ફળ નહીં થાય.તેમની કમનસીબી દૂર કરવા માટે હું આશાવાદી છું.


4.આંચકા આવ્યો ત્યારે ઉભી થયેલી મૂંઝવણ દરમિયાન,સુરક્ષા કારણોસર કેદમાં રહેલા એક કેદી જેલમાંથી ભાગી ગયો છે. ભૂકંપ સમયે સિપાહીઓએ ચેતવણીના ભાગરૂપે દરવાજો છોડી દીધો હતો અને તે આ તકનો લાભ લઇ ભાગી છૂટ્યો હતો.


5.રાત્રે ચોક્કસ કેટલાક આંચકા અનુભવાયા છે,અને આજે સવારે ખૂબ સંવેદનશીલ પણ અનુભવાયા છે.


ચાર્લ્સ નોરિસ

એક્ટિંગ જજ અને ક્રિમિનલ જજ,

અમદાવાદ અદાલત.


----------------------------


"જેલના કૂવામાંથી ચાર ફૂટ ઊંડું પાણી છલકાઈને બહાર આવી ગયું" : કોમોડોર - સુરત


સુરત, 17 જૂન 1819


પ્રતિ,

હેન્રી મેરિટોન,

સુપ્રીટેન્ડેન્ટ્સ ઓફિસ બોમ્બે


આપને સન્માન સાથે જણાવવાનું કે,

ગઈકાલે રાત્રે આઠ વાગ્યા પહેલા સુરત શહેરમાં અને તાપી નદીના કેટલાક માઈલ દૂર સુધી ભયાનક ભૂકંપ અનુભવાયો હતો.પ્રથમ એ આવ્યો ત્યારે હું મારા સોફા પર સૂતો હતો.આખુંય ઘર હલબલવા લાગ્યું હતું.ઘરનું દરેક ફર્નિચર,મારી નજીક રહેલી ટેબલ અને દીવાલનો લેમ્પ પૂર્વથી પશ્ચિમ દિશામાં છ થી આઠ ઇંચ સુધી ડોલવા લાગ્યા.હું ઘરની સીડી શક્ય તેટલી ઝડપે ઉતરવા લાગ્યો,ત્રણ મિનિટ જેવો સમય ઘરથી બહાર નીકળવામાં વીતી ગયો હતો.


મને મારા ઘર બહાર આશ્ચર્યચકિત થઈને ભેગા થયેલા ઘણા લોકો મળ્યા,જે એકલા રહે છે.ઘર એ પ્રકારે હલતું હતું,જાણે કોઈ પણ સેકન્ડે પડી જશે.આપણા પગ હેઠળની ધરતી જાણે આ સમયે ભરાઈ ગઈ હતી અને એવું લાગતું હતું કે તે લાંબા અંતર પર તરી રહી છે અને તેને તોડી નાખવાનો પ્રયાસ કરી રહી છે.તેની તીવ્રગતિએ મને જમીનમાં તિરાડ પડવાની આશંકા હતી.આંચકો પાંચથી છ મિનિટ સુધી ચાલ્યો અને મને પૂર્વથી પશ્ચિમ દોડાવ્યો.રહેવાસીઓ ખૂબ ભયભીત હતા.પવન જાણે શ્વાસ પણ ન હતો લઇ રહ્યો.આકાશ એકદમ સ્વચ્છ હતું. આ આવવાનો કોઈજ અંદાજો કે ચેતવણી ન લાગી.


તપાસ કરતા જાણવા મળ્યું કે નજીકના ઉંમર ગામમાં કેટલાક ઘરો પડી ગયા છે. પારસી પગોડા એક તરફથી પડી ગયું છે અને અહીં એક ગરીબ વ્યક્તિ દસ વાગ્યે મૃત્યુ પામ્યો હતો.રાત્રે 8:30 એ અને બીજો દિવસે 10:100 વાગ્યે આંચકો અનુભવાયો હતો.જેલના કૂવામાંથી ચાર ફૂટ ઊંડું પાણી છલકાઈને બહાર આવી ગયું હતું.શહેરના બજારની ટાંકીનું પણ છલકાઈ અહીં બહાર આવી ગયું હતું.


સર તમને આ સાદી માહિતી આપવાની મારી ફરજ છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે,તે સરકાર પણ આપશે.


કેપ્ટ્ન જે. પ્રુઅન

કોમોડોર - સુરત




આ પત્રો ભૂકંપને તત્કાલ જ અંગ્રેજ અધિકારીઓએ લખ્યા હતા,જેનું વર્ણન વાંચીને આપણે જે-તે વખતની તેમની મનોસ્થિતિનો ખ્યાલ આવી જશે. હજુ આગળના પત્રો અને બ્રિટિશ ગવર્નમેન્ટના જવાબો અને સહાયના કિસ્સા આવતા અંકમાં !


(ક્રમશ:)


આપ આપના પ્રતિભાવો ronak.d.gajjar@gmail.com પર જણાવી શકો છો.

1,957 views0 comments
bottom of page